વિદ્યાહીન અવિદ્યા કે અવિદ્યાહીન વિદ્યા એકલી અનર્થકારી નીવડે છે. કેવળ અવિદ્યા એકલી હોય તો ચાલે, એમાંથી જ્ઞાનશૂન્ય જડતા નીકળે પણ કેવળ વિદ્યા એકલી ન જોઈએ. એકલી વિદ્યામાંથી પ્રાણહીનતા અને ઉપરાંત અહંકાર પણ નીકળે.
કેવળ અવિદ્યામાં એક પ્રકારની લયવૃત્તિ હોય છે. એની ઊંઘ સાથે સરખામણી કરી શકાય. એથી ઊલટું કેવળ વિદ્યામાં જાતજાતના આનન્દ ભોગવવાની વૃત્તિ હોય છે. દુનિયામાં હજારો જાતના શાસ્ત્ર છે ને હજારો જાતની વિદ્યા છે. એ બધું પ્રાપ્ત કરવામાં પડયા તો અનર્થ જ થશે. એટલે એ હજારો વિષયો પ્રત્યે અજ્ઞાન જ જોઈએ. જે જ્ઞાનની સ્વધર્મ આચરણમાં કોઈ આવશ્યકતા નથી, જે બુદ્ધિભેદ ઉત્પન્ન કરે છે એનો બોજો ચિત્ત પર નાખવો ઠીક નથી. એ રીતે વિદ્યા અને અવિદ્યા બંને જોઈએ. ત્રીજું છે આત્મજ્ઞાન જે પરમ સાધ્ય છે.
એક માણસ પાસે વિદ્યા છે પણ આત્મજ્ઞાન નથી તો તેને અહંકાર પેદા થશે અને તે ઘોર અંધકારમાં પ્રવેશ કરશે. અજ્ઞાની અંધકારમાં તો છે પણ આવા વિદ્વાનો ઘોર અંધકારમાં છે. કોઈ માણસ બહુ ઊંચેથી પડે તો તેને વધારે વાગશે અને નીચેથી પડે તો ઓછું વાગશે એના જેવી વાત છે. મૂળ વાત એ ને આત્મજ્ઞાન તરફ દૃષ્ટિ રહેવી જોઈએ.
Comments
Post a Comment